ભાદરવા મહિનાના સુદ પક્ષની પાંચમ તિથિએ આ વ્રત આવે છે. કશ્યપ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જગદગ્નિ અને વશિષ્ઠ ઋષિઓની પૂજા આ દિવસે ખાસ કરવામાં આવે છે. આ વ્રતમાં સપ્તઋષિઓ સહિત અરૂંધતીનું પૂજન થાય છે.
ઋષિ પાંચમનું વ્રત દોષમાંથી મુક્તિ મેળવવા માટે કરવામાં આવે છે. આ વ્રત ખાસ કરીને મહિલાઓ જ રાખે છે. આ વ્રત ભાદરવા સુદ પાંચમના દિવસે કરવામાં આવે છે. મોટે ભાગે સ્ત્રીઓ રજોદર્શન દરમિયાન જાણ્યે-અજાણ્યે થયેલાં દોષના નિવારવા માટે આ વ્રત કરે છે.
આ વ્રત ઋષિપંચમી તરીકે પણ ઓળખાય છે. વ્રત પાછળ માન્યતા છે કે, જાણ્યે-અજાણ્યે બધાથી કોઈને કોઈ પાપ તો થાય જ છે. જેમ કે, કોઈ જગ્યાએ પગ રાખવાથી જીવની હત્યા, તો કોઈને ખરાબ કહેવાથી વાણીનું પાપ લાગે છે.
આ સાથે જ કોઈને ઠેસ પહોંચાડવાથી માનસ પાપ લાગે છે. એટલે આ પ્રકારના દોષ અને પાપમાંથી મુક્તિ મેળવવા માટે ઋષિ પાંચમનું વ્રત કરવામાં આવે છે, જે મહિલાઓ માટે ઘણું જ ફળદાયી નીવડે છે.
આ વ્રત કરનારે સવારે વહેલા ઊઠીને અઘેડાનું દાંતણ કરી, શરીર પર માટી ચોળી, માથામાં આંબળાની ભૂકી નાંખી નહાવું જોઈએ. સપ્ત ઋષિઓની પૂજા હળદર, ચંદન, નાડાછડી, અબીર, ગુલાલ, મહેંદી, ચોખા, વસ્ત્ર, ફૂલ વગેરે દ્વારા કરવામાં આવે છે.
પૂજા કર્યા પછી ઋષિ પંચમી વ્રતની કથા સાંભળવાનું ખૂબ જ અનેરું મહત્વ રહ્યું છે. ઋષિ પંચમીના દિવસે મોરૈયો અને દહીં ખાવાની પરંપરા છે.
આ દીવસે અનાજ અને મીઠાનું સેવન કરવું જોઈએ નહીં. પૂજા પછી કળશ સામગ્રીને દાન કરવી તેમજ બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી જ ભોજન આરોગવું જોઈએ. આ દિવસે સામો ખાવો, ફળાહાર કરવો. અનાજ ખાવું નહીં.
આ રીતે પાંચ વર્ષ સુધી આ વ્રત કરવું. ત્યારબાદ તેનું ઊજવણું કરવું. એ વખતે અરુંધતી સહિત સપ્તઋષિઓની પૂજા કરવી અને બ્રાહ્મણોને જમાડી, યથાશક્તિ દાન-દક્ષિણા આપવી. આમ ઋષિમુનીઓના પૂજન-અર્ચન સાથે દોષમાંથી મુક્તિ મેળવવા માટે ઋષિ પાંચમનું વ્રતનો અનેરો મહિમા છે.