ગુજરાતમા અહીં આવેલું છે સુતેલુ શિવલિંગ એકવાર શ્રાવણમાં દર્શન કરવાથી મનોકામનાઓ થાય છે પૂર્ણ

મંદિરની ખાસિયત એ છે કે મંદિર ઉપર કોઇ છત નથી તેમજ સૂર્યના કિરણો શિવલિંગ ઉપર પડે છે. જેના કારણે સૂર્યના કિરણો સતત શિવલિંગને સ્પર્શ કરતા હોવાથી તે તડકેશ્વર મહાદેવના મંદિર તરીકે પ્રસિધ્ધ છે. 1994માં જીર્ણોદ્ધાર કરી 20 ફૂટના ગોળાઈનો ઘુમ્મટ ખુલ્લો બનાવાયો. સ્વયંભૂ પ્રગટેલા શિવલિંગના દર્શનાર્થે લોકોની ભારે ભીડ રહે છે. શ્રાવણમાસ અને મહાશિવરાત્રિએ તો ભક્તો દૂર દૂરથી દાદાના દર્શનાર્થે આવે છે.

તડકેશ્વર મહાદેવની પૌરાણિક ગાથા
વલસાડના પરા વિસ્તાર અબ્રામા ગામે વાંકી નદીના કિનારે તડકેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન શિવાલય આવેલું છે. આશરે 800 વર્ષ પુરાણા આ શિવાલયની પૌરાણિક ગાથા અનોખી અને અલૌકિક છે. વર્ષો પહેલાં અહિંના જંગલમાં ગાયો ચરાવતા નિર્દોષ ગોવાળિયાએ એક ગાયને સ્વયંભૂ દૂધની ધારા વહાવતી જોઈ તો તે વિસ્મય પામ્યો હતો. ગામલોકોને જાણ કરતાં તેઓએ તે જગ્યા પર તપાસ કરતાં એક મોટી પથ્થરની શિલા નજરે પડે હતી. ત્યારબાદ આ શિલા પર એક ભક્ત રોજ આવીને દૂધનો અભિષેક કરી જતો હતો.

ભોળા શિવજીએ તેને સ્વપ્નમાં આવી જણાવ્યું કે, તું રોજ આ ઘોર જંગલમાં આવીને મારી પૂજા-અર્ચના કરે છે, તારી નિષ્ઠા અને અનન્ય ભક્તિ થી હું પ્રસન્ન થયો છું. હવે મને આ કાદવકીચડમાંથી બહાર કાઢી યોગ્ય જગ્યાએ લઈ જઈ પૂજન કરજે. ભક્તની લાગણીને માન આપી ગામલોકોએ શિલાની આસપાસ ખોદકામ કરતાં સૌના આશ્ચર્ય વચ્ચે 6થી7 ફૂટ લંબાઈ ઘરાવતું પોઢેલા શિવ જેવા આકારનું લિંગ નજરે પડ્યું હતું. ખૂબ જ સાવચેતી પૂર્વક લિંગ ખંડિત ન થાય તે રીતે ખોદકામ પૂર્ણ કરાયું હતું. બળદગાડામાં શિલાને લાવી આજના સ્થળે તેમની પ્રાણપ્રતિષ્ઠા કરાઈ હતી.

Leave a comment