આપણા દેશમાં સમુદ્રમાં અનેક દેવીઓ વસવાટ કરે છે.સમુદ્રમાંથી બહાર આવી પૃથ્વી પર વસવાટ કરતા હોય તેવા સમુદ્રનાં માતાજી એટલે સુંદર ભવાની.તેમનું મંદિર્જે હળવદથી 40 કિમી દૂર આવેલા પાંચાળ પ્રદેશમાં આવેલું છે.સારાયે દેશનું બેનમૂન ઔતિહાસિક બેનમૂન યાત્રાધામ ગણાય છે.આ માતાજીના નામથી ગામનું નામ સુંદરી ભવાની છે.
પથ્થરોને ધર્મશીલાનું સ્વરૂપ ગણી પૂજાય છે
મહાભારતકાળ પૂર્વેના આ મંદિર સાથે ક્ણ્વ ઋષિથી માંડીને પાંડવોની દંતકથા સંકળાયેલી છે.અહીં અનેકાએક પથ્થરો બ્રહ્મશીલા અને ધર્મશિલાનું સ્વરૂપ ગણી પૂજાય છે.પ્રાચીન કાળમાં ઋષિ મુનીઓની યોગભૂમિ તેમ જ અવતારી યુગપુરુષનાં પાવન પગલાં અને ધર્મ અધ્યાત્મનો અમૂલ્ય વૈભવ ધરાવતી આ ભૂમિ સુંદરી ગામના પાદરમાં અગાઉ દરિયો હતો અને તેથી વહાણવટું કરવાનું આ મુખ્ય કેંદ્ર હતું.નજીકમા ગાઢ જંગલ હતું.
અહીં કણ્ય મુનિ તપ કરતા હતા.આ સ્થાનની રક્ષા કરવા માટે કણ્વ મુનિએ સમુદ્રની આરાધના કરતા માં ભવાની પ્રસન્ન થયા અને સમુદ્રમાંથી બહાર નીકળી વાહન સિંહ પર સવાર થયા.
અનેક જ્ઞાતિનાં કુળદેવી છે સુંદરી ભવાની માતાજી
એક કથા મુજબ ઋષિ વિશ્વામિત્ર અને અપ્સરા મેનકાની પુત્રી શકુંતલાનો ઉછેર આ કણ્વાશ્રમમાં થયો હતો અને જેના નામ ઉપરથી આપણો દેશ ભારત વર્ષ કહેવાય છે તે જ મહાપરાક્રમી ભરતનો જન્મ આ જ સ્થળે રાજા દુષ્યંત અને શકુંતલાના મેળાપથી થયેલો.
આજે પણ આ કથાની યાદી રૂપે શ્રી કણ્વેશ્વર મહાદેવનું નાનકડું મંદિરની નજીકમાં જ આવેલું છે.સુંદરી ભવાની માતાજી અનેક જ્ઞાતિનાં કુળદેવી છે,પણ વિક્રમ સંવત 1087માં માતા સમુદ્રીનાં મંદિરનો જીર્ણોદ્ધાર દશા સોરઠિયા વણિક અમરચંદ માધવજી વૈદ્યે કરાવ્યો હતો.
1930માં શ્રી શંકર ભૂમાનંદ સ્વામી દ્વારા મંદિરનું સંચાલન થતું હતું તે સમયે 1930 અને 1938માં મહારાજા ઘનશ્યામસિંહે 15122 ગજ જમીન 1008 રૂપિયામાં આપી હતી.આથી આ મંદિર વિશાળ જગ્યામાં પથરાયેલું છે.
શ્રી સુંદરી ભવાની માતાજી મંદિરની અંદર આરસની વિશાળ કલાત્મક મૂર્તિઓ છે.સુંદર નકશીકામથી શોભતી આ મૂર્તિ નયનરમ્ય લાગે છે.માથે લાલચટક ચુંદડી,ચાંદીનો મુગટ,ઉપરના ભાગે ચાંદીનાં છત્ર અને હાથમાં તલવાર તથા ગળામાં હાર તો નાકે નથણી શોભે છે.
મંદિરની બાજુમાં જગતહિત આશ્રમ આવેલો છે.રોજ અસંખ્ય યાત્રાળુ આ મંદિરનાં દર્શનાર્થે આવે છે,તેથી જગતહિત આશ્રમ દ્વારા પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવાય છે.આશ્રમની સામેના ભાગે વિશાળ બગીચો છે.
પ્રવાસનની દષ્ટિએ ઉત્તમ છે આ સ્થળ
સુંદરી ભવાની માતાજી મંદિરથી થોડે દૂર દ્રૌપદીની કલાત્મક ચોરી આવેલી છે,જ્યાં તેમનાં લગ્ન થયાં હતાં.આથી પાંડવો-દ્રૌપદી-શ્રીકૃષ્ણનો સંગમ પાંચાળની પાવન ભૂમિ પર થયો હશે તેની સાક્ષીરૂપ મૂર્તિઓ-ચોરી અને અન્ય મૂર્તિઓ મળી આવી છે.
પ્રવાસનની દષ્ટિએ શ્રી સુંદરી ભવાની માતાજી મંદિરની આસપાસ વિહરવા માટે ઉત્તમ સ્થળ છે.અંતરિયાળ વિસ્તારમાં આવેલા મંદિરે જવા માટે સુરેન્દ્રનગર-મોરબીથી જઈ શકાય છે.
સુંદરી ભવાની મંદિરની નજીક બીજાં અનેક જોવાલાયક સ્થળો છે,જેમાં ઓલિયા ભગતની સમાતો,ગૌતમ મુનિના ગરમ પાણીના કુંડ,ખાપરા કોડિયાનાં ભોંયરાં,ડાંગેશ્વર મહાદેવ,સૂરજ દેવળ,સોનગઢનો કિલ્લો,અનસૂયા આશ્રમ,નાથગુફા,દ્રૌપદી વડ તેમ જ વિશ્વવિખ્યાત ત્રિનેત્રેશ્વર મહાદેવ (તરણેતર-મહાદેવ)નું અતિ કલાત્મક મંદિરનો સમાવેશ થાય છે.
આમ ઝાલાવાડની પાવનભૂમિ પાંચાળમાં આવેલા શ્રી સુંદરી ભવાની માતાજીનાં અલૌકિક દર્શને એક વાર જરૂરથી આવશો અને કુદરતી નજારો મન ભરીને માણજો.